ભારત દ્વીગ્રુહી શાસન ધરાવે છે એટલે કે ભારત રાજ્યનું શાસન બે ગૃહો રાજ્યસભા અને લોકસભા દ્વારા ચલાવવામાં આવે છે. આજે આપણે સંસદના નીચલું ગૃહ એટલે કે What is Lok Sabha વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં જોઈશું જેમાં લોકસભાની રચના, લોકસભાની ચૂંટણી, લોકસભાના સભ્યોનો કાર્યકાળ, પગાર ભથ્થા, તેમજ તેમની શક્તિઓ વિશેની માહિતી મેળવીશું.
What is Lok Sabha? લોકસભા એટલે શું?
લોકો દ્વારા પ્રત્યક્ષ ધોરણે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું આ ગૃહ લોકસભા તરીકે ઓળખાય છે.
લોકસભાનો ઉલ્લેખ અનુચ્છેદ 81 માં કરવામાં આવેલ છે.
ઇંગ્લેન્ડમાં લોકસભાને “હાઉસ ઓફ કોમન્સ” કહેવામાં આવે છે.
વર્ષ 1954 સુધી લોકસભાને પહેલા જનતા સદન તરીકે ઓળખવામાં આવતું હતું.
લોકસભાને નીચલું ગૃહ અથવા જનતાનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ તરીકે પણ ઓળખવામાં આવે છે.
સંસદમાં કોઈપણ ગૃહમાં બેસતા સભ્યને MP (મેમ્બર ઓફ પાર્લામેન્ટ) કહેવાય છે.
13 મેં 1952 ના રોજ લોકસભાની પ્રથમ બેઠક મળી હતી આ દિવસે (દિલ્હી)
લોકસભાની રચના
લોકસભાની સંરચના વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે રાજ્યોના ચૂંટણી વિસ્તારોમાંથી વધુમાં વધુ 530 સભ્યો, કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વધુમાં વધુ 20 સભ્યોની નિયુક્તિ કરી શકાશે.
લોકસભાની મહત્તમ વધુમાં વધુ સભ્ય સંખ્યા 550 રહેશે આ પહેલા વર્ષ 2020માં 104મો બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો-ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી હતી જે રદ કરવામાં આવી છે.
લોકસભામાં બેઠકોની વહેંચણી કેવી રીતે થાય?
42 માં બંધારણીય સુધારા મુજબ તે વર્ષ 2000 સુધી અને ત્યારબાદ 84 માં બંધારણીય સુધારા મુજબ વર્ષ 2026 સુધી બેઠકોની સંખ્યા અને ફાળવણી સ્થિર કરી દેવામાં આવી છે.
87 માં બંધારણીય સુધારા મુજબ ખેર ગોઠવણી 2001ની વસ્તી ગણતરી મુજબ પણ બેઠકોની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરી શકે.
વર્તમાન લોકસભાના સભ્યો
ક્રમ | બંધારણ મુજબ | વધુમાં વધુ | વર્તમાનમાં |
1 | વધુમાં વધુ | 550 | 543 |
2 | ચૂંટાયેલા | 550 | 541 |
3 | રાજ્યોમાંથી | 530 | 524 |
4 | કે.પ્રદેશ માંથી | 20 | 19 |
લોકસભા ચૂંટણી કેવી રીતે થાય?
અનુચ્છેદ-326 મુજબ 18 વર્ષની ઉંમરના દરેક ભારતીય નાગરિક કે જેનું નામ મતદારયાદીમાં સમાવિષ્ટ હોય તેને મતદાન કરવાનો અધિકાર મળે છે જો તેને કાયદા દ્વારા અયોગ્ય જાહેર ન કરવામાં આવ્યો હોય.
વર્ષ 1989માં 61માં બંધારણીય સુધારા દ્વારા મતદાન માટેની વયમર્યાદા 21 થી ઘટાડીને 18 વર્ષની કરાઈ હતી.
લોકસભાના સભ્યની ચૂંટણી જનતા દ્વારા પ્રત્યક્ષ રીતે પુખ્ત મતાધિકાર તથા ગુપ્ત મતદાન દ્વારા થાય છે.
લોકસભાની ચૂંટણી નીચેના સિદ્ધાંતોના આધારે થાય છે.
- પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ
- એકલ સદસ્ય ચૂંટણી ક્ષેત્ર
- પ્રત્યક્ષ ચૂંટણી
- સૌથી વધુ મત મેળવનાર વિજેતા
પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ
પ્રાદેશિક પ્રતિનિધિત્વ પદ્ધતિ એટલે કે આખા દેશને અલગ અલગ ભૌગોલિક મતદાન ક્ષેત્રમાં વહેંચવામાં આવશે કે જેથી બધા જ ભાગોમાં પ્રતિનિધિ લોકસભામાં પોતપોતાના મતદાર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી શકે.
એકલ સદસ્ય ચૂંટણી ક્ષેત્ર
એકલ સદસ્ય ચૂંટણી ક્ષેત્ર એટલે કે લોકસભાના દરેક મતદાન ક્ષેત્રમાંથી એક જ પ્રતિનિધિ છૂટવામાં આવશે.
પ્રત્યક્ષ ચૂંટણી
પ્રત્યક્ષ ચૂંટણી એટલે કે મતદાન વિસ્તારમાં લોકો પોતાના પ્રતિનિધિને પ્રત્યક્ષ રીતે મતદાન કરે છે.
સૌથી વધુ મત મેળવનાર વિજેતા
લોકસભાની ચૂંટણીમાં ઊભા રહેનાર ઉમેદવાર ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
લોકસભાની શક્તિઓ અને કાર્ય
કાયદાકીય શક્તિઓ
બધા જ પ્રકારના ખરડા ના સંદર્ભમાં રાજ્યસભા કરતા વધુ શક્તિ લોકસભા ધરાવે છે જેમ કે નાણાં ખરડો તથા નાણાકીય ખરડો માત્ર લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે.
સામાન્ય દ્રષ્ટિએ સુધારાને લગતા ખરડાઓ માટે લોકસભા અને રાજ્યસભા બંને સરખી ધરાવે છે પરંતુ વ્યવહારિક રીતે મહત્વના ખરડાઓ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે.
વર્તમાન સરકાર ની મંત્રી પરિષદ લોકસભામાં ત્યાં સુધી જ કાર્ય કરી શકશે જ્યાં સુધી તે લોકસભામાં વિશ્વાસ ધરાવતા હોય.
નાણાકીય શક્તિઓ
દર વર્ષે રજૂ કરવામાં આવતું નાણાકીય પત્ર એટલે કે બજેટ પણ લોકસભા માંથી પસાર કરવામાં આવે છે અને તેમાં પણ રાજ્યસભા ફક્ત નામમાત્ર ભૂમિકા ભજવે છે.
નાણાકીય વિષયને લખતા ખરડાઓ ફક્ત લોકસભા પાસે મહત્વની શક્તિઓ છે નાણા ખરડો માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે અને તેને પસાર કરવા માટે લોકસભાની મહત્વની ભૂમિકા છે જ્યારે રાજ્યસભા એ ફક્ત સામાન્ય ભૂમિકા ભજવે છે.
વધારાની શક્તિઓ તથા કાર્ય
લોકસભાના સભ્યો રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે તથા રાષ્ટ્રપતિની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરી શકાય છે.
ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવા માટે લોકસભાની પરવાનગી પછી જ ઉપરાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશોને તેમના પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે પણ લોકસભાની મંજૂરી જરૂરી છે.
લોકસભાનો કાર્યકાળ
બંધારણના અનુચ્છેદ 83 માં લોકસભાના કાર્યકાળ વિશેની જોગવાઈ કરવામાં આવેલ છે. (44 માં બંધારણીય સુધારા 1978 દ્વારા)
લોકસભાનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને 5 વર્ષના કાર્યકાળની ગણના લોકસભાની પ્રથમ બેઠકની તારીખથી નક્કી કરવામાં આવે છે.
જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો તે 5 વર્ષ પહેલાં પણ લોકસભાનું વિસર્જન કરી શકે છે. પરંતુ આ માટે રાષ્ટ્રપતિને કેન્દ્રીય મંત્રી મંડળની લોકસભાને વિઘટિત કરવા માટેની સલાહ જરૂરી છે.
જો વિશિષ્ટ પરિસ્થિતિઓમાં લોકસભાનો કાર્યકાળ 5 વર્ષથી વધુ વધારી શકાય છે. જ્યારે કટોકટીની જાહેરાત થયેલી હોય ત્યારે સંસદ કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવી શકે છે પરંતુ 1 વર્ષથી વધુ નહીં લંબાવી શકે.
વર્ષ 1976 માં 42 માં બંધારણીય સુધારાથી લોકસભાનો કાર્યકાળ 6 વર્ષનો કરાયો હતો જે 44 માં બંધારણીય સુધારા 1978 થી લોકસભાનો કાર્યકાળ ફરી 5 વર્ષનો કરાવ્યો.
લોકસભાના સભ્યોની યોગ્યતાઓ
લોકસભાના સભ્યોની લાયકાત અનુચ્છેદ 84 માં આપેલી છે જે નીચે મુજબ છે.
- ભારતનો નાગરિક હોવો જોઈએ.
- તેની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ.
- ન્યાયાલય દ્વારા નાદાર કે માનસિક રીતે અસ્થિર ન હોવો જોઈએ.
- કેન્દ્ર કે રાજ્ય સરકારમાં હોદ્દો ન ધરાવતો હોવો જોઈએ.
- ત્રીજી અનુસૂચિ મુજબ શપથ લીધેલા હોવા જોઈએ.
લોકસભા અને વિધાનસભાના વિસર્જનની જોગવાઈ
સામાન્ય રીતે કેન્દ્રમાં લોકસભા અને રાજ્યમાં વિધાનસભાની મુદત 5 વર્ષની હોય છે પરંતુ કેટલાક સંજોગોમાં આ 5 વર્ષ પહેલા લોકસભા કે વિધાનસભાનું વિસર્જન થઈ જાય છે. જેમ કે વડાપ્રધાનનું મૃત્યુ, રાજીનામું, બહુમતી ન રહેવી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે.
વર્ષ 1980માં ભારતના વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ લોકસભામાં પોતાની બહુમતી સાબિત ન કરી શકતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું તેથી રાષ્ટ્રપતિએ બ્રિટિશ પ્રણાલીને અનુસરીને લોકસભાનું વિસર્જન કર્યું હતું.
જો લોકસભાનું વિસર્જન થતા રાષ્ટ્રપતિ અને વિધાનસભાનું વિસર્જન થતા રાજ્યપાલ અલગ અલગ પાર્ટીઓને પોતાની બહુમતી સાબિત કરવાનો મોકો આપે છે. આ સમયગાળા દરમિયાન જે પાર્ટી પોતાની બહુમતી સાબિત કરે છે તે સરકાર બનાવે છે.
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા જે 15 મે 1952 થી 27 ફેબ્રુઆરી 1956 સુધી લોકસભાના પ્રથમ અધ્યક્ષ પદે રહ્યા હતા.
લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા?
લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ મીરાકુમારી હતા જે 4 જુન 2009 થી 4 જૂન 2014 સુધી લોકસભા ના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
હાલના લોકસભાના અધ્યક્ષ કોણ છે?
હાલનાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા છે જેમને 19 જૂન 2019 થી લોકસભાના અધ્યક્ષ પદ ગ્રહણ કર્યું હતું જે આજ સુધી એટલે કે 2024 સુધી કાર્યરત છે.
લોકસભાના અધ્યક્ષ
અનુચ્છેદ 93 અંતર્ગત લોકસભા પોતાના સભ્યોમાંથી એક સભ્યને અધ્યક્ષ તરીકે ચુંટી કાઢશે.
લોકસભાની ચૂંટણી ની પ્રથમ બેઠક પછી લોકસભા અધ્યક્ષની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે.
નિમણૂક
તેમની નિમણૂક લોકસભાના ચૂંટાયેલા સભ્યો ચૂંટણી દ્વારા કરે છે.
રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે.
શપથ
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પોતાના અધ્યક્ષ પદ માટે શપથ લેવાનાં હોતા નથી પરંતુ અનુચ્છેદ 99 અનુસાર સંસદ સભ્ય તરીકે શપથ લેવાનાં હોય છે.
અનુચ્છેદ 99 અનુસાર સંસદના દરેક ગૃહના દરેક સભ્ય એ પોતાની બેઠક સંભાળતા પહેલા રાષ્ટ્રપતિ અથવા તે હેતુ માટે નિમેલ વ્યક્તિ સમક્ષ ત્રીજી અનુસૂચિ મુજબ શપથ અને પ્રતિજ્ઞા લેવાની હોય છે અને પ્રતિજ્ઞા પત્ર પર પોતાની સહી કરવાની હોય છે.
પગાર ભથ્થા
લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણની બીજી અનુસૂચિ મુજબ નક્કી કરાયેલા પગાર અને ભથ્થા ચૂકવવામાં આવે છે.
કાર્ય અને શક્તિઓ
કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તેનું પ્રમાણપત્ર આપે છે.
સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભાની સંયુક્ત બેઠકનું સંચાલન કરે છે.
તેઓને ગૃહમાં કાર્યવાહી માટે કોરમના (કુલ સભ્યોના 1/10 સભ્યો) ગેરહાજર હોય તો ગૃહ સ્થગિત કરવાનો અધિકાર છે.
ગૃહમાં જો કોઈ બાબતે સરખું મતદાન થયું હોય ત્યારે અધ્યક્ષ પોતાનું નિર્ણાયક મત (કાસ્ટીંગ વોટ) આપી શકે છે.
લોકસભાના સભ્યો તથા કર્મચારીઓના અધિકારોની રક્ષા તથા લોકસભાના પરિસરની સુરક્ષાની બાબતમાં અધ્યક્ષ અને સંપૂર્ણ સત્તા છે.
લોકસભાના અધ્યક્ષ જ નક્કી કરે કે કયા સભ્યોને અને કેટલા સમય સુધી ગૃહમાં બોલવાનો મોકો આપવો.
અનુસૂચિત 10 અનુસાર પક્ષાંતર વિરોધી ધારા હેઠળ કોઈ સભ્યના સભ્યપદ રદ કરવા બાબતે અંતિમ નિર્ણય અધ્યક્ષ લેશે.
લોકસભાના ઉપાધ્યક્ષ
અનુચ્છેદ 93 અંતર્ગત લોકસભા પોતાના સભ્યોમાંથી એક સભ્યને ઉપાધ્યક્ષ તરીકે ચુંટી કાઢશે.
લોકસભાના અધ્યક્ષ પછી ઉપાધ્યક્ષની ચૂંટણી થાય છે સામાન્ય રીતે લોકસભાના ઉપાધ્યક્ષ વિરોધ પક્ષમાંથી ચુંટી કાઢવામાં આવે છે.
ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ અધ્યક્ષ નક્કી કરે છે.
બંને ગૃહની સંયુક્ત બેઠકમાં જ લોકસભાના અધ્યક્ષ ગેરહાજર હોય તો ઉપાધ્યક્ષ અધ્યક્ષ પદ સંભાળે છે.
ઉપાધ્યક્ષ એ સચિવાલય બજેટ સમિતિના અધ્યક્ષ હોય છે.
લોકસભાના વિરોધ પક્ષના નેતા
લોકસભાના વિરોધ પક્ષના નેતાનું પદ હાલ ખાલી છે કારણ કે જો સૌથી મોટા પક્ષ પાસે ગૃહની કુલ બેઠકની 10% બેઠક ના હોય તો તેને વિપક્ષના નેતાનું પદ ન આપી શકાય.
હાલના લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે
લોકસભાના ઉપાધ્યક્ષ 2019 થી ખાલી છે.
ઉપાધ્યક્ષની વિશેષ સત્તાઓ
ઉપાધ્યક્ષ જ્યારે સંસદની કોઈ સમિતિના સભ્ય તરીકે નિમણૂક પામે તો તેઓ આપોઆપ જ સમિતિના અધ્યક્ષ બની જાય છે.
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને પદ પરથી હટાવવા માટેની પ્રક્રિયા
લોકસભાના કાર્યકાળ સુધી અધ્યક્ષ પોતાના પદ પર રહે છે પરંતુ નીચેની પરિસ્થિતિઓમાં પદ ખાલી થાય છે.
1) લોકસભાનો સભ્ય ન રહે
2) લોકસભાના અધ્યક્ષ ઉપાધ્યક્ષ કે લોકસભાના ઉપાધ્યક્ષ અધ્યક્ષ અને સંબોધીને રાજીનામું આપે છે.
3) અનુચ્છેદ 94 અંતર્ગત તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતી થી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય છે જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે.
લોકસભાના અધ્યક્ષ કે ઉપાધ્યક્ષને હટાવવા માટે 50 સભ્યોના ટેકાનો પ્રસ્તાવ લાવવામાં આવે છે પરંતુ આ માટે અધ્યક્ષ અને 14 દિવસ પહેલા સૂચના આપવી જરૂરી છે.
લોકસભાના મહાસચિવ
લોકસભામાં મહાસચિવ એ સંસદના સ્થાયી પદાધિકારી છે. જે 60 વર્ષની ઉંમર સુધી હોદ્દા પર રહે છે. લોકસભા મહાસચિવ રાષ્ટ્રપતિ તરફથી લોકસભાના સભ્યોને સત્રોમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપે છે.
લોકસભાના મહાસચિવ અધ્યક્ષની ગેરહાજરીમાં ખરડાઓને પ્રમાણિત કરે છે તેમજ લોકસભા મહાસચિવ લોકસભાના અધ્યક્ષને જવાબદાર હોય છે.
કાર્યકારી અધ્યક્ષ / પ્રોટેમ સ્પીકર
નવી લોકસભા જ્યારે પ્રથમ વખત મળે તે સમયે સૌથી લાંબા અનુભવો વાળા સંસદ સભ્યને રાષ્ટ્રપતિ કાર્યકારી અધ્યક્ષ એટલે કે પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્તિ કરે છે અને કાર્યકારી અધ્યક્ષને શપથ લેવડાવે છે.
પ્રોટેમ સ્પીકર સૌપ્રથમ બહુમતી ધરાવતા પક્ષના ઉમેદવારને અધ્યક્ષ બનવા માટે પ્રસ્તાવ મૂકે છે જો લોકસભા બહુમતીથી તે ઉમેદવારને અધ્યક્ષ તરીકે સ્વીકારે તો ઉમેદવાર લોકસભાનો અધ્યક્ષ બને છે.
કાર્યકારી અધ્યક્ષનું કાર્ય
નવા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયામાં અધ્યક્ષતા કરે છે.
ચૂંટણી બાદ બનેલી નવી લોકસભાના સભ્યોને શપથ લેવડાવે છે.
પ્રોટેમ સ્પીકર સૌપ્રથમ બહુમતી ધરાવતા પક્ષના કોઈ ઉમેદવારને અધ્યક્ષ માટે પ્રસ્તાવ મૂકે છે જો લોકસભા બહુમતીથી આ પ્રસ્તાવને સ્વીકારે છે તો ઉમેદવાર અધ્યક્ષ તરીકે ચૂંટાય છે.
નવા અધ્યક્ષની ચૂંટણી બાદ પ્રોટેમ સ્પીકર સ્થાયી અધ્યક્ષને પોતાનો કાર્યભાર આપી દે છે.