અહી મૈત્રક વંશ અને મૈત્રક વંશ નો ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવેલી છે, અહી આપેલી માહિતીમાં મૈત્રક વંશની રાજધાની તેમન સંપુર્ણ મૈત્રક વંશ તમને સમજણ પડે એવી રીતે ફોટો સાથે આપવામાં આવેલો છે આ માહિતી તમને ગમે તો તમે બીજાને સાથે શેર કરવા વિનતી.
મૈત્રક વંશ નો ઇતિહાસ
સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે આવેલ વલભી ઈ.સ. 470ના સમય દરમિયાન સેનાપતિ વિજયાન ભટાર્ક મૈત્રક વંશની સ્થાપના કરી અને વલભીમાં પોતાની રાજધાની સ્થાપી હતી.
વલભી એ સંસ્કૃત નામ છે. જેને પ્રાકૃત ભાષામાં ‘વલહી’ કહેવામાં આવે છે. વલભીનો અર્થ ‘છાપરું’ અથવા ‘ઘરનો સૌથી ટોચનો ભાગ’ થાય છે બ્રિટિશ કાળમાં વલભીને વળા તરીકે ઓળખવામાં આવતું હતું જે સમય જતા ‘વલભીપુર’ નામ રાખવામાં આવ્યું.
સૌરાષ્ટ્રમાં આવેલી ઘેલો નદીના કાંઠે વલભીમાં ભટાર્કે બૌદ્ધ મઠો બંધાવ્યા હતા અને ગૃહસેનના સમયમાં ‘ખેટક’ એટલે કે ખેડાનો વલભી રાજ્યમાં સમાવેશ થયો હતો.
બૌદ્ધ અને જૈન ધર્મના વિદ્યાઅભ્યાસ માટે અગત્યનું કેન્દ્ર ગણાતી વલભી વિદ્યાપીઠની સ્થાપના ધરસેન પહેલાના સમયમાં થઈ હતી અને આ વિદ્યાપીઠના આચાર્ય ગુણમતી અને સ્થિરમતી હતા.
મૈત્રક વંશના શાસકોની જ્યારે પડતી શરૂ થઈ ત્યારે બૌદ્ધ મઠોના પૂજારી બન્યા. જૈનસુરી જીનસેન આ સમયમાં હરિવંશ પુરાણ નામે ગ્રંથ લખ્યો હતો.
આરબના સુબા એવા સલીમ યુનીસીએ વલભી પર આક્રમણ કરીને વલભીનો નાશ કર્યો હતો.
મૈત્રક વંશનું અસ્તિત્વ
મૌર્યકાળના રાજા સ્કંદગુપ્ત એ સૌરાષ્ટ્રના ગિરિનગર ખાતે પર્ણદત્ત નામના સુબાની નિમણૂક કરી હતી જેને સૌરાષ્ટ્રને મુખ્ય મથક બનાવ્યું હતું.
સ્કંદગુપ્ત એ આ સમયે સૌરાષ્ટ્રના સેનાપતિ તરીકે વિજીયન ભટાર્કની નિમણૂક કરી અને આ વિજયાન ભટાકે મૈત્રક વલભીમા મૈત્રક વંશની સ્થાપના કરી હતી.
મૈત્રક વંશમાં 19 રાજાઓ થઈ ગયા હતા જેમાં રાજાઓની વંશાવલી તેમના પુત્ર કરતા તેમના ભાઈઓ એ રાજગાદી સંભાળી હોય તેવો આ વંશ છે.
મૈત્રક વંશના શાસન દરમિયાન ઈ.સ. 640 થી 645 ના સમયગાળા દરમિયાન ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાગ ગિરીનગર આવ્યા હતા અને તેને ગિરનગર અને વલભીની નોંધ કરી હતી.
શિલાદિત્ય પહેલાની પેઢીમાં ગાદી ધારણ કરી દરેક શાસકો એ પોતાના શિલાદિત્ય તરીકે અંત સુધી સંબોધ્યા.
જેમાં શિલાદિત્ય બીજા અને દેરભટ સિવાય દરેક રાજા એ ગાદી મેળવી પરંતુ શિલાદિત્ય બીજા રાજા ન બની શક્યા.
મૈત્રક વંશના રાજાઓ પરામભટાર્ક, મહારાજાધીરાજ, પરમેશ્વર તથા શ્રીબપ્પપાદાનુધ્યાત એવા નામો ધારણ કર્યા હતા.
મૈત્રક રાજાઓની માહિતી તામ્રપત્રમાંથી મળે છે જેમાં આ વંશના 16 રાજાઓની ભૂમિદાનની લગતી માહિતી મળે છે.
મૈત્રકકાળની અર્થવ્યવસ્થા
મૈત્રક વંશનો મુખ્ય વ્યવસાય કૃષિ હતો જેમાંથી તેમને જીવન જરૂરિયાત આવક ઊભી થતી હતી.
મૈત્રક વંશમાં ગુજરાતના વ્યાપારીઓ બાલી, જાવાલાદ્વિપ, સિંહલદ્વીપ વગેરે સાથે વ્યાપારી સંબંધો બનાવીને પોતાની અને દેશની સમૃદ્ધિમાં મહત્વનો યોગદાન આપ્યું હતું.
ગુજરાત 1600 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવતા હોવાને કારણે અહીં બંદરોનો વિકાસ સારા પ્રમાણમાં થયો આથી ગુજરાતનો વિદેશો સાથે વ્યાપાર ખૂબ સારી રીતે વિકાસ થયો હતો.
મૈત્રક વંશ દરમિયાન પ્રમુખ બંદરો હાથબ, પ્રભાસપાટણ, મહુવા, ભરૂચ, નવસારી, ખંભાત દ્વારકા વગેરે હતા. તેમજ પશ્ચિમ ભારતના બંદરેથી ચંદન, શિશુ, લવિંગ, સોપારી વગેરેની નિકાસ થતી હતી.
સૌરાષ્ટ્રના બંદરેથી તેલ તેમજ તેલ ભરવા માટે વિશિષ્ટ પ્રકારના માટીના વાસણો ‘તેલકેલા’ની નિકાસ કરવામાં આવતી હતી.
ચીની યાત્રાળુ હ્યું-એન-ત્સાંગના વર્ણનમાં વલભીપુરના વ્યાપારના સમૃદ્ધિના ઘણા ઉલ્લેખો જોવા મળે છે. તેમજ સોમદેવ દ્વારા રચિત ‘કથાસરિત સાગર’માં પણ વલભીપુરનો સમૃદ્ધિના ઉલ્લેખો જોવા મળે છે.
મૈત્રક વંશના આવકના સ્ત્રોતો
મૈત્રક વંશની આવકનો મુખ્ય સ્ત્રોત ‘જમીન મહેસુલ’ હતો. મહેસુલ માટે ‘આદેય કે આદાન’ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.
જમીન મહેસુલ રોકડ સ્વરૂપે (હિરણીય) અથવા અનાજ સ્વરૂપે (મેય) બંને રીતે આપી શકાતું હતું. વાતપ્રત્યય અને ભૂતપ્રત્યાય નામના કર ઉઘરાવવા માટે (શૌલિકય) નામના ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી.
જે વ્યક્તિ કરની ચુકવણી રોકડ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે કરી શકે તેમ ન હોય તેવા વર્ગના લોકો એક દિવસ રાજ્ય માટે પોતાનું શ્રમદાન કરતા જેમ કે મોચી, લુહાર, સુથાર વગેરે.
આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે રાજ્યની બધી જ જમીન કરને પાત્ર હતી. પરંતુ દાનમાં આપેલી જમીનને બધા જ પ્રકારના કરોમાંથી મુક્તિ આપવામાં આવતી હતી.
મૈત્રક કાળ દરમિયાન ઉઘરાવવામાં આવતા કર
ભૂતપ્રત્યાય : ગામમાં ઉપજેલી ચીજો પરનો કર.
વાતપ્રત્યય : બહારથી આયાત કરવામાં આવેલી વસ્તુઓ પર કર.
ભોગ : રાજાને દરરોજ ફળ શાકભાજી ફૂલના સ્વરૂપે મળતો કર.
ઉપરીકર : જમીન વિહોણા ખેડૂતો પાસેથી લેવામાં આવતો કર.
ભાગ : ઉપજના હિસ્સાના રૂપમાં લેવામાં આવતો કર.
મૈત્રકકાળની સામાજિક વ્યવસ્થા
આ સમયગાળા દરમિયાન સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જેવા મુખ્ય ચાર વર્ગો હતા.
ઊંચા વર્ગમાં વિધવા વિવાહ પ્રચલિત ન હતા, પણ સતી થવાનો રિવાજ આ સમયગાળા દરમિયાન જોવા મળતો હતો.
ગુલામી તથા દાસ અને દાસની પ્રથા પણ આ સમયગાળા દરમિયાન પ્રચલિત હતી લોકો ખાનપાન બાબતે સાદુ ભોજન ખાતા હતા મદિરાપાન કે માંસાહારને તેઓ પાપ માનતા હતા.
જમીન મહેસુલ રોકડ સ્વરૂપે (હિરણીય) અથવા અનાજ સ્વરૂપે (મેય) બંને રીતે આપી શકાતું હતું. વાતપ્રત્યય અને ભૂતપ્રત્યાય નામના કર ઉઘરાવવા માટે (શૌલિકય) નામના ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવતી હતી.
જે વ્યક્તિ કરની ચુકવણી રોકડ સ્વરૂપે કે અનાજ સ્વરૂપે કરી શકે તેમ ન હોય તેવા વર્ગના લોકો એક દિવસ રાજ્ય માટે પોતાનું શ્રમદાન કરતા જેમ કે મોચી, લુહાર, સુથાર વગેરે.
આ સમયગાળા દરમિયાન સામાન્ય રીતે રાજ્યની બધી જ જમીન કરને પાત્ર હતી. પરંતુ દાનમાં આપેલી જમીનને બધા જ પ્રકારના કરોમાંથી મુક્તિ આપવામાં આવતી હતી.
મૈત્રકકાળની ધાર્મિક વ્યવસ્થા
મૈત્રક રાજાઓ શૈવ ધર્મના ઉપવાસક હતા તેમ છતાં તેમણે બધા ધર્મને સરખુ મહત્વ આપ્યું હોવાથી દરેક ધર્મને સારી પ્રગતિ મળી હતી
ભાગવત ધર્મ
મૈત્રક વંશના રાજવીઓના દાનપત્રોમા તેમના પરાક્રમોનો લેખ, વિષ્ણુના વરાહ, વામન, કૃષ્ણ જેવા અવતારોનો ઉલ્લેખ જોવા મળે છે.
તથા લક્ષ્મી, ગરુડ, ગદા, સુદર્શનચક્ર, પદ્મ વગેરે જેવા નિર્દેશનો અને વિષ્ણુના ઉપેન્દ્ર, નારાયણ, જનાર્દન, પુરુષોત્તમ વગેરે જેવા નામનો ઉલ્લેખ વારંવાર જોવા મળતો હોવાના કારણે એવું કહી શકાય કે ભાગવત ધર્મ પ્રજામાં સારી રીતે પ્રચલિત હશે.
મૈત્રક રાજવી ધ્રુવસેન પહેલા એ આ ધર્મ અપનાવ્યો હતો
જૈન ધર્મ
મૈત્રક કાળ જૈન સંપ્રદાય માટે ઉત્કર્ષનો કાળ હતો પરંતુ થોડા સમય બાદ વલભીની પડતી શરૂ થતા મોટાભાગના જૈન સંઘો મોઢેરામાં સ્થળાંતરિત થઈ ગયા હતા અને વલભીની જૈન પ્રતિમાઓ પણ પ્રભાસ, શ્રીમાળ ખાતે સ્થળાંતરિત કરવામાં આવી હતી.
આ પહેલા અહીં એટલે કે ગિરનાર, શત્રુંજય વગેરે જૈન ધર્મના પ્રાચીન તીર્થો હતા, તેથી કહી શકાય કે લાંબા સમયથી સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જૈન ધર્મનો સારો પ્રસાર હતો
ઈ.પૂર્વે. 512માં વલભી ખાતે જૈન ધર્મની બીજી મહાસભા દેવર્ષિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં ભરાઈ હતી.
ક્ષમાશ્રમણએ છઠ્ઠી સદીમાં ‘વિશેષાવશ્યકભસય’ની રચના કરી અને જીનદાસગણિતે મહંતરે સાતમી સદીમાં જઈને આગમો પર ચણીગ્રંથ રચ્યો.
બૌદ્ધ ધર્મ
મૈત્રક વંશના રાજાઓએ પોતાના કુટુંબીજનો માટે તેમજ રાજ્ય અધિકારીઓ, વ્યાપારીઓ વગેરે માટે અનેક વિહારો બંધાવ્યા હતા.
સેનાપતિ વિજીયન ભટાકે ‘ભટાર્ક વિહાર’ બંધાવ્યું હતુ, તેમ જ શીલાદિત્ય પહેલાએ પણ વંશકટ ગામમાં બૌદ્ધ વિહાર બંધાવ્યો હતો અને તેમના મહેલની આજુબાજુ પણ વિહાર બંધાવ્યા હતા.
ધ્રુવસેન પ્રથમના ભાણેજ દુદાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી વલભીમાં એક વિહાર બંધાવ્યો હતો. આ ઉપરાંત ચીની યાત્રાળુના વર્ણનમાં ગુજરાતના વલભી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિહારોનો ઉલ્લેખ જોવા મળે છે તેના પરથી કહી શકાય કે મૈત્રકાળમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મ સર્વોચ્ચ સ્થાન પર હશે
શક્તિપૂજા પંથ
મૈત્રક વંશના દાનપત્રોમાં બે દેવીઓ પાંડુરાજા અને કોટમહીકા દેવીનો ઉલ્લેખ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન શંકરાચાર્યએ દ્વારકામાં શારદાપીઠ સ્થાપી હોવાનું માનવામાં આવે છે.
સૂર્યપૂજા પંથ
શીલાદિત્ય પહેલાએ ઈ.સ. 611માં સૂર્યમંદિર માટે ભૂમિદાન આપ્યું હતું. શીલાદિત્ય જેવા રાજાઓના નામના સૂર્યના સૂચક આદિત્ય શબ્દનો સમાવેશ દર્શાવે છે કે મૈત્રક કાળમાં સૂર્ય પૂજા પંથ સારી રીતે ચાલતો હશે.
મૈત્રક વંશના રાજવી ધરપટે આ ધર્મ અપનાવ્યો હતો. આ ઉપરાંત લાટમાંથી માળવા ગયેલા પટોળાના વણકરોનો સૂર્યમંદિરના નિર્માણનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
પારસી ધર્મ
મૈત્રક વંશ દરમિયાન પારસીઓનું આગમન વિશેની માહિતી દસ્તુર બહેરામ કેકોબાદની કૃતિ ‘કિસે સજાણ’ માંથી મળે છે.
ઈરાનના કેટલાક જરથોસ્તી ધર્મ પાળતા પારસીઓ આરબના હાથે પરાજિત થયા બાદ તેઓ ધર્મના રક્ષણ માટે ભારતમાં આવીને વસ્યા હતા.
સૌપ્રથમ તેઓએ સૌરાષ્ટ્રના દીવમાં વસ્યા હોવાનું માનવામાં આવે છે અને ત્યારબાદ તેઓ દક્ષિણ ગુજરાતના સજાણ બંદરે આવીને વસ્યા હતા જ્યાં તેમને જાદિ રાણાએ આશ્રય આપ્યો હતો.
પારસીઓ એ ઉદવાડા (વલસાડ)માં અગ્નિમંદિરની સ્થાપના કરી હતી. જ્યાં તેમના મુખ્ય દેવતા અહુરમજદ અને ધર્મગ્રંથનું નામ અવેસ્તા હતુ.
પારસીઓને નવસારીમાં ભાગલીયા કે ભાગરીયા કહેવામાં આવે છે તેમજ ઉદવાડાને પારસીઓનું કાશી કહેવામાં આવે છે જ્યાં આવેલી અગિયારીનુ નામ ઈરાનશાહ ફાયર ટેમ્પલ છે.
મૃત્યુ પછી પારસીઓના મૃતદેહો દોખા નામની જગ્યાએ મૂકવામાં આવે છે જ્યાં તેમના મૃતદેહને ગીધના ભોજન માટે ખુલ્લા મૂકી દેવામાં આવે છે.
શૈવ ધર્મ
ધ્રુવસેન પહેલા અને ધરપટ સિવાયના બધા જ રાજવીઓ શૈવ ધર્મના અનુયાયીઓ હતા. શૈવ ધર્મના ચાર સંપ્રદાયો કાપાલિક, પાસુપત, લિંગાયત અને કાલામુખ પૈકી મૈત્રક રાજવીઓ પશુપત સંપ્રદાયના અનુયાયીઓ હતા.
મૈત્રક વંશના રાજવીઓ પાશુપત ધર્મ અપનાવતા હોવાના કારણે વલભીપુરમાંથી ઘણા બધા શિવલિંગ તથા નંદીની ખંડિત મૂર્તિઓ મળી હોવાના કારણે કહી શકાય કે અહીં શૈવ ધર્મનો પ્રચાર થયો હશે.
મૈત્રક કાળમાં સાહિત્યનો વિકાસ
મૈત્રકકાળ દરમિયાન ગુજરાતમાં રાજ્યભાષા સંસ્કૃત હોવાનું મળી આવે છે, જેમાં ‘કવિ ભઠ્ઠી’ દ્વારા રચિત ‘ભટ્ટીકાવ્ય’ અથવા ‘રાવણવધ’, ‘જીન સેનસુરી’ રચિત ‘હરિવંશપુરાણ’ નામના મહાકાવ્ય અગ્રસ્થાન ધરાવે છે.
કવિ ભટ્ટી એ ‘ભટ્ટીકાવ્ય’માં રામાયણના પ્રસંગો વિશેનું વર્ણન કર્યું છે, જ્યારે જીનસેનસુરીએ રચેલા ‘હરિવંશપુરાણ’માં જૈન તીર્થંકરોની કથાનો વર્ણન કરવામાં આવ્યું છે.
જિનભદ્રગણિ ક્ષમાશ્રવણની અધૂરી રચના “વિશેષ આવશ્યક ભાષ્ય” કોટાયવાદીવણિ ક્ષમાશ્રમણ પૂરી કરી હતી. આ ઉપરાંત કવિ માધે શિશુપાલવધ નામનું મહાકાવ્ય લખ્યું.
મૈત્રક કાળની સ્થાપત્ય કલા
મૈત્રક વંશમાં ગુજરાતમાં વલભી ખાતે બૌદ્ધ સ્થાપત્યો, જૈન સ્થાપત્યો, હિન્દુ દેવાલય વગેરેનું નિર્માણ મોટાપાયે કરવામાં આવ્યું જેનો ઉલ્લેખ મૈત્રક દાનપત્રોમાં 13 વિહારોનો ઉલ્લેખ જોવા મળે છે.
ભાવનગર જિલ્લાના હાથબ નામના સ્થળેથી બૌદ્ધ ધર્મના પાંડુરા દેવીનું મંદિર હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ વર્તમાનમાં તેનો કોઈ અવશેષ ઉપલબ્ધ નથી.
રાષ્ટ્રકૂટ રાજાઓ દ્વારા ભૂમિદાનમાં આપેલા બે દાન શાસનની માહિતી પ્રાપ્ત થાય છે. આ વિહાર કાપીલ મુનિ દ્વારા નિર્માણ કરાવેલો હોવાથી ‘કાપીલ્ય વિહાર’ તરીકે ઓળખતા ઓળખાતો હતો.
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલું કાપલીયા ગામ એ પ્રાચીન કાપીલીય તીર્થનું સ્થળ હોવાનું જાણવા મળે છે. પરંતુ હાલમાં આ વિહારના પણ કોઈ અવશેષો પ્રાપ્ત થતા નથી.
હિન્દુ દેવાલય
જામનગર જિલ્લામાં જીનાવાડી ગામમાં આવેલો ‘ગોપ ગામ’ ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય છે જે પથ્થરોનું બનેલું છે.
દેવાલય માટે દાન શાસનોમાં ‘દેવકુલ’ શબ્દ પ્રયોજાયો હતો જે મૈત્રક વંશની સ્થાપત્ય કલા માટેનો મહત્વનો શબ્દ ગણી શકાય.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે મુખ્ય દેવાલયોમાં કદવારનું વિષ્ણુ મંદિર, તળાજા પાસે આવેલું કળસાર ગામનું મંદિર, પોરબંદર પાસે આવેલા વિસાવાડા અને બિલેશ્વરના દેવાલયોનો સમાવેશ થાય છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સૂર્યદેવને સમર્પિત ધાસણવેલનું મંદિર સપ્તાયશૈલીનું છે. આ ઉપરાંત ધારાસણવેલમાં આવેલ અલંકૃત શિખર એ સ્તંભો ધરાવતુ કાલિકામાતા મંદિર પણ આ જ સમયનું હોવાનું જાણવા મળે છે.
બૌદ્ધ સ્થાપત્યો
મૈત્રક વંશમાં ગુજરાતમાં વલભી, ભૃગુકચ્છ (ભરૂચ), આનંદપુર વગેરે જેવા સ્થળોએ બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા.
મૈત્રક દાનપત્રોમાં 13 વિહારોનો ઉલ્લેખ મળે છે જેમાંથી 11 વિહારો વલભીમાં જ હતા એક ભિક્ષુઓનું વિહાર જે ‘યક્ષશૂસર વિહાર’ કહેવાતું અને બીજું ભિક્ષુણીઓનું વિહાર ‘દુદાવિહાર’ કહેવાતું.
જૈન સ્થાપત્યો
મૈત્રક કાળ દરમિયાન વલભી જૈન સંપ્રદાયના એક મોટા કેન્દ્ર તરીકે પ્રખ્યાત હતું. શેઢી નદીના કિનારે આણંદના ધામણા ખાતે પ્રાચીન જૈન ચૈત્યનો ઉલ્લેખ જોવા મળે છે.
આ ઉપરાંત હાલના વઢવાણમાં પણ પાર્શ્વનાથનું મંદિર અને ગુફા હતી. તેમ જ નવસારીમાં રાજા સુવર્ણવર્ષ કર્કરાજે જિનાલય માટે ભૂમિ દાનમાં આપી હોવાનો ઉલ્લેખ મળી આવે છે.
મધ્યપ્રદેશ રાજ્યના ‘અમજેરા જિલ્લાના’ બાઘની ટેકરીઓની ગુફાઓમાં ગુફા જોવા મળે છે કારણ કે આ સમયે મૈત્રક સત્તા માળવા સુધી વિસ્તરેલી હતી.
મૈત્રકકાળની શિલ્પકળા
મૈત્રક વંશ દરમિયાન વડોદરા નજીક કપુરાઈમાંથી મળી આવેલી શિવ પાર્વતીની ખંડિત શિલ્પ છે આ મૂર્તિ વિશેષ મહત્વ ધરાવે છે.
મૈત્રક વંશની મૂર્તિ કલાનો વિકાસ જૈન તીર્થંકરોની પ્રતિમાઓના સર્જનમાં જોવા મળે છે વિવિધ સ્થળો કે હારીજ ભીનમાલ પ્રભાસ પાટણ અને વલભીપુરમાંથી જૈન તીર્થંકરોની સુંદર પ્રતિમાઓ મળી આવી છે.
વલભીપુર માંથી મળી આવેલી જૈન તીર્થકરોની પાંચ કાશ્ય પ્રતિમાઓ ઘણી વિશેષતા ધરાવે છે. કારણ કે ગુપ્તકાળ સુધીના ભારતીય શિલ્પોમાં તીર્થકરોની કોઈ સર્વસ્ત્ર પ્રતિમાઓ ઉપલબ્ધ નથી.
મૈત્રક-અનુમૈત્રક કાળના શિલ્પો
કુબેર : સિદ્ધપુર પાટણ.
રથ પર આરુડ સૂર્ય : રણુપીપળી વડોદરા.
બૌદ્ધ વરદ તારા : તારંગા મહેસાણા.
સિંહ પર આરુડ અંબિકા : અકોટા વડોદરા.
મકરવાહીની ગંગા : શામળાજી અરવલ્લી.
દશાવતારની પ્રતિમાઓ : કદવાર ગીર સોમનાથ.
વિશ્વરૂપ વિષ્ણુ : કઠલાલ શામળાજી અરવલ્લી.
રાંદલ માતા : દોડવા ભાવનગર.
મૈત્રકકાળની ચિત્રકલા
મૈત્રક કાળની ચિત્રકલાના નમૂનાઓ ગુજરાતમાં જોવા મળતા નથી આ વંશમા ચિત્રકલાની નમૂનાઓ મધ્યપ્રદેશ રાજ્યના બાઘની ગુફાઓમાં જોવા મળે છે, તેમજ અજંતાની ગુફાની જેમ જ બાઘ ગુફાઓમાં પણ વાદકો અને નર્તકોના સુંદર ચિત્રો જોવા મળે છે.
મૈત્રકકાળની શિક્ષણ વ્યવસ્થા
આ વંશના રાજાઓની ધર્મસહિષ્ણુતાના કારણે દરેક ધર્મોનો સારો વિકાસ થયો હતો આના કારણે દરેક ધર્મના અનુયાયીઓએ પોતાના બાળકોના શિક્ષણ માટે આશ્રમો વિહારો તેમજ વિદ્યાપીઠોમાં વિવિધ પ્રકારની શિક્ષણની પદ્ધતિઓ સ્થાપી હતી.
બધા જ પ્રકારની શિક્ષણ પદ્ધતિઓ દરેક ધર્મના લોકો માટે ખુલ્લી હતી.
બૌદ્ધ શિક્ષણ પ્રણાલી
મૈત્રક કાળની શિક્ષણ વ્યવસ્થા દરમિયાન 100 જેટલા બૌદ્ધ વિહારો હતા. જેમાં હીનીયાનના 6000 જેટલા ભિક્ષુઓ બૌદ્ધ ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા.
સ્થિરમતી અને ગુણમતી નાલંદા વિદ્યાપીઠના મહાન આચાર્ય વસુબંધુના પ્રખ્યાત શિષ્ય હતા જે વલભી વિદ્યાપીઠમાં આચાર્ય તરીકે કામ કરતા હતા.
ચીની યાત્રાળુ ઈતસિંગે વલભી વિદ્યાપીઠ ની સરખામણી નાલંદા વિદ્યાપીઠ સાથે કરી હતી.
જૈન શિક્ષણ પ્રણાલી
નયનચક્ર નામના જૈન દર્શનના રચયિતા અને શત્રુંજય મહાત્મયના રચયિતા આચાર્ય ધનેશ્વરસૂરી વલભીના રહેવાસી હોવાથી વલભી જૈન શિક્ષણ પ્રણાલીનું એક મહાન કેન્દ્ર બન્યું હતું.
સંગીત તેમજ મૈત્રકકાળમાં વ્યાકરણ શાસ્ત્ર પર ટીકા કરનાર જીનસેનસુરી, બૌદ્ધધોને વાદવિવાદમાં પરાજય આપનાર પ્રખ્યાત મલવાદીસુરી પણ વલભી વિદ્યાપીઠમાં જૈન શિક્ષણ પ્રણાલી માટેનો મહત્વ ફાળો ધરાવે છે.
જૈન શિક્ષણ પ્રણાલીનો અભ્યાસક્રમ સૌથી લાંબો હતો આ અભ્યાસક્રમનુ સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે લગભગ 17 વર્ષ લાગતા હતા.
બ્રાહ્મણ શિક્ષણ પ્રણાલી
બ્રાહ્મણ ધર્મના અનુયાયના બાળકો માટે આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ હતી. બાળકોને જનોઈ સંસ્કાર આપવામાં આવતો જેથી બાળકોને વેદાભ્યાસનો અધિકાર પ્રાપ્ત થતો.
બાળકોને ક્રમશ પોતાની ઉંમર અનુસાર પાણિનીનું વ્યાકરણ, કોષ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, વેદો વગેરેનો અભ્યાસ કરાવવામાં આવતો હતો.
મૈત્રક કાળ દરમિયાન વેદોના અભ્યાસનું મહત્વ વધારે હતું જેમાં ઋગ્વેદમાં બહુવૃચ શાખા, કૃષ્ણ યજુર્વેદમાં મેત્રાયણીય, શુક્લ યજુર્વેદમાં વાજસનેય અને સામવેદમાં છંદોગ શાખા પ્રચલિત હતી.
તર્ક વિદ્યા અને ધનુર વિદ્યામાં નિષ્ણાત હતા ધ્રુવસે ને ધ્રુવ ધ્રુવસેન બીજા વ્યાકરણમાં નિષ્ણાત હતા, શીલાદિત્ય પહેલા કવિ હતા અને શીલાદિત્ય સાતમાં ત્રણ વેદોનુ જ્ઞાન ધરાવતા હતા. આ પરથી કહી શકાય કે બ્રાહ્મણ શિક્ષણ પદ્ધતિઓનો આ સમયમાં સારો એવો વિકાસ થયો હશે.
મૈત્રક વંશની વંશાવલી
ક્રમ | રાજા |
1 | સેનાપતિ વિજીયન ભટાર્ક |
2 | ધરસેન પ્રથમ |
3 | દ્રોણસિંહ |
4 | ધ્રુવસેન પ્રથમ |
5 | ધરપટ્ટ |
6 | ગૃહસેન પ્રથમ |
7 | ધરસેન બીજો |
8 | શિલાદિત્ય પ્રથમ |
9 | ખરગ્રહ પ્રથમ |
10 | ધરસેન ત્રીજો |
11 | ધ્રુવસેન બીજો |
12 | ધરસેન ચોથો |
13 | ધ્રુવસેન ત્રીજા |
14 | ખરગ્રહ બીજો |
15 | શિલાદિત્ય બીજો |
16 | શિલાદિત્ય ત્રીજો |
17 | શિલાદિત્ય ચોથો |
18 | શીલાદિત્ય પાંચમા |
19 | શીલાદિત્ય છઠ્ઠો |
20 | શીલાદિત્ય સાતમો |
વલભી ના સ્થાપક
સૌરાષ્ટ્રમાં ગુપ્ત વંશના શાસકોએ ઘણા વર્ષો સુધી શાસન ચલાવ્યું અને આખરે ઈ.સન 467 માં સ્કંદગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ.
કારણકે ગુપ્ત વંશમાં અંતિમ મહાન શાસક સ્કંદગુપ્તના મૃત્યુ બાદ આવેલા શાસકો નબળા શાસકો હતા.
આ સમયે ગુપ્ત વંશના સૌરાષ્ટ્રના સુબા તરીકે મૈત્રક વંશનો સ્થાપક સેનાપતિ વિજીયન ભટાર્ક કામ કરી રહ્યો હતો.
ગુપ્તોને નિર્બળતાનો લાભ લઈ તક જોઈને ગુપ્ત વંશની સત્તા ફગાવી દીધી અને પોતે જ વલભીમાં પોતાની સત્તા સ્થાપી અને તેને મૈત્રક વંશની સ્થાપના કરી.
અહીં ભટાર્ક સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી થયો તે ફક્ત સેનાપતિ તરીકે સ્વતંત્ર થઈ રાજધાની ગીરીનગર (જુનાગઢ સૌરાષ્ટ્ર) થી ખસેડીને વલભી (ભાવનગર) ને રાજધાની બનાવી.
સેનાપતિ વિજયાન ભટાર્ક
• સમય – ઈ.સ. 460 થી 480
• સ્થાપક – વિજયાન ભટાર્ક
• દીકરા – ધરસેન પ્રથમ, દ્રોણસિંહ, ધ્રુવસેન પ્રથમ, ધરભટ્ટ
ગુપ્ત વંશની પ્રથમ સૌરાષ્ટ્રની રાજધાની ગીરીનગર હતી. તેને બદલી તેને વલભી ખાતે નવી રાજધાની બનાવી.
ભટાર્ક એ વાસ્તવમાં રાજસત્તા ધારણ કરી હોવા છતાં કોઈ રાજનુ બિરૂદ ધારણ કર્યું ન હતું ને પોતાને સેનાપતિ તરીકે જ ઓળખાવવાનું ચાલુ રાખ્યું હતું.
ભટાર્ક એ મૈત્રક કુળનો પરમ મહેશ્વર (શૈવ) ભક્ત હતો, આથી તેણે પોતાની રાજમુદ્રા (સિક્કા)માં રાજ પ્રતીક તરીકે શિવના વાહન નંદી (વૃષભ)ની પસંદગી કરી હતી.
સેનાપતિ ભટાર્કને લોકો પ્રાકૃત ભાષામાં “ભટક્ક” તરીકે ઓળખતા હતા તેથી તેણે રાજમુદ્રામાં પોતાનો મૂળ નામ શ્રી ભટક્ક રાખ્યું હતું.
ભટાર્ક શૈવ ધર્મી હતો પરંતુ તેને વલભીમાં ભટાર્ક વિહાર નામનો એક બૌદ્ધ મઠ બંધાવ્યો હતો અને એ વિહાર તેને એક સામંત શૂરને ભેટ સ્વરૂપે આપ્યો હતો.
આ શૂર એ ગાર્લુક વંશનો પુરુષ શૂર પ્રથમ હોય એવું લાગે છે. ભટાર્કના સમકાલીન ગુપ્ત શાસકોમાં પુરુગુપ્ત તથા બુધ્ધગુપ્ત ગુપ્ત હતા.
મગજમાં ગુપ્ત સામ્રાજ્ય હેઠળ રહેલા ગુજરાતને સેનાપતિ વિજયાનએ મુક્ત કરાવ્યું હોવાથી તેમને ગુજરાતના પ્રથમ ઇતિહાસ પુરુષ માનવામાં આવે છે.
ભટાર્કને ચાર પુત્રો હતા જે દરેકને વલભીની ગાદી ઉપર શાસન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.
સેનાપતિ ધરસેન પ્રથમ
• સમય – ઈ.સ. 480 થી 500
• સમકાલીન રાજા – બુદ્ધગુપ્ત
• બિરુદ – સેનાપતિ
પિતાએ બનાવેલા વલભી વિહારને એક વિદ્યાપીઠમાં બદલી નાખી જે ભારતના ઈતિહાસમાં મહાન વલભી વિદ્યાપીઠ તરીકે પ્રસિદ્ધ છે.
વલભી વિદ્યાપીઠની સ્થાપના સાથે જ ધરસેન પ્રથમ એ વલભી સવંતની શરૂઆત કરી હતી.
આ સવંત નવું નથી પરંતુ ગુપ્ત વંશના વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત પ્રથમ એ ઈ.સ. 319 થી 320માં શરૂ કરેલું ગુપ્ત સવંતમાં સુધારોનુ એક રૂપ છે.
વલભી સવંતમાં વર્ષ કારતક માસથી શરુ થાય છે, જ્યારે મૂળ ગુપ્ત સવંતમાં વર્ષ ચૈત્ર માસથી શરુ થાય છે .
ધરસેને પોતાની બહેન દુદારાણીના નામ પરથી એક વિહાર બનાવ્યું હતું.
મહારાજ દ્રોણસિંહ
• સમય – ઈ.સ. 500 થી 520
• બિરુદ – મહારાજ
મૈત્રક વંશનો પ્રથમ શાસક હતો કે જેણે સેનાપતિ નહિ મહારાજાની પદવી ધારણ કરી હતી.
મગધના ગુપ્ત સમ્રાટે એટલે કે પરમસ્વામી એ તેનો રાજ્યભિષેક કર્યો હતો.
આ પરમસ્વામી બુદ્ધગુપ્ત અથવા તેનો પુત્ર વેન્યગુપ્ત હોવો જોઈએ.
દ્રોણસિંહ એ પાંડુરાજા દેવી મંદિરને ત્રિસંગમ નામે એક ગામ દાન કરેલું જે આજે હસ્તપત્ર (હાથબ)ની નજીક આવેલું છે.
મહારાજ ધ્રુવસેન પ્રથમ
• સમય – ઈ.સ. 520 થી 550
• પત્ની – ચંદ્રલેખા
• ઋષિ – દેવર્ષિ ક્ષમાશ્રમન
• બીજી જૈન ધર્મસભાના અધ્યક્ષ – દેવર્ષિ ક્ષમાશ્રમન
તે એક મહાન ધર્મ શાસક હતો તેણે શૈવ ધર્મ સાથે બૌદ્ધ ધર્મ પણ અપનાવ્યો હતો.
તેણે બ્રાહ્મણોને સિંહપુર (શિહોર ભાવનગર), હસ્તવપ્ર (હાથભ ભાવનગર) અને આનંદપુર (વડનગર) એમ ત્રણ ગામ દાનમાં આપ્યા.
જ્યારે બૌદ્ધ ભિક્ષુકોને બૌદ્ધ વિહારો અને જૈનોને પણ ઘણા દાન આપ્યા હતા.
મૈત્રક વંશમાં સૌથી વધુ દાન ધ્રુવસેન પ્રથમ એ જ કર્યું હતું. જેમાં તેમના અંદાજિત 24 દાન શાસનનો મળ્યા છે.
જૈન ધર્મ ગ્રંથો અનુસાર મિહિરકુળના હુણના આક્રમણોથી તેણે ગુજરાતને બચાવ્યું હતું
આથી ધ્રુવસેન પ્રથમને ગુજરાનો તારણહાર કહેવામાં આવે છે, પરંતુ આ યુદ્ધમાં તેનો યુવાન દીકરો શહીદ થયો હતો.
યુવાન દીકરો શહિદ થવાથી રાજા ખૂબ દુઃખી થઈ ગયા અને રાજાની પત્ની ચંદ્રલેખા જૈન હતી અને તેણે સમસ્ત જૈન ઋષિગણને આ વાતનો ઉકેલ લાવવાની પ્રાર્થના કરી.
જૈન મુનિઓએ રાજાને કલ્પસૂત્રના પાઠ સંભળાવા કહ્યું અને કલ્પસૂત્રના પાઠ સાંભળી રાજા શૈવ ધર્મ સાથે જૈન ધર્મના પણ અનુયાયી બન્યા.
ઈ.સ. પૂર્વે 512માં વલભી ખાતે દેવર્ષિ ક્ષમાક્ષમણની અધ્યક્ષતામાં જૈન ધર્મની બીજી મહાસભા ધ્રુવસેન પ્રથમના પ્રયત્નોથી જ થઈ હતી.
નોંધ : ધ્રુવસેન પ્રથમનો શાસન સમય 520 થી 550 હતો, પરંતુ મહાસભા ઈ.સ. પૂર્વે 512માં થઇ હતી જેનો સમય મેચ થતો નથી પરંતુ જૈન અનુશ્રુતિ મુજબ ધ્રુવસેન પહેલા એ જ આ સભા ભરી હતી.
મહારાજ ધરપટ
• સમય – ઈ.સ. 550 થી 559
• બીજું નામ – ધમપટ
ધરપટ એ ભટાર્કનો સૌથી નાનો દીકરો હતો.
ધરપટ એ ધ્રુવસેન પહેલાનો અનુજ હતો.
આ રાજા પરમ આદિત્ય (સૂર્ય) પૂજા કરતો હતો.
ધરપટના મૃત્યુ બાદ ધરપટનો પુત્ર ગૃહસેન પ્રથમ મૈત્રક વંશની ગાદી સંભાળે છે.
મહારાજ ગૃહસેન પ્રથમ
• સમય – ઈ.સ. 559 થી 570
• પદવી – મહારાજાધિરાજ
• પુત્ર – ધરસેન બીજો
ગૃહસેન પ્રથમે મૈત્રકોની સત્તા સૌરાષ્ટ્રથી વધારીને આર્નત સુધી ફેલાવી હતી.
તે પોતે એટલો પરાક્રમી હતો કે કનોજના મોખરી વંશના રાજવી (આજનું ઉત્તર પ્રદેશ) ઉપર આક્રમણ કરી ત્યાંના રાજા ઈશ્વર વર્માને હરાવી અને કનોજ લૂંટી લે છે.
આ લૂંટની એટલી બધી સંપત્તિ હતી કે તેણે વલભીના લોકો પાસેથી ત્રણ વર્ષ સુધી કર ના લીધો.
મુસ્લિમ આક્રમણ :
• ઈરાનનો શાસક-નૌશિર્વાન-એ-આદિલ
• પૂત્ર – નૌશેઝાદ
ઈરાનનો શાસક નૌશિર્વાન-એ-આદિલ હતો અને તેના પુત્ર નૌશેઝાદ એ તેના પિતાની ગાદી લઈ લેવા માટે વિદ્રોહ ક્રિયો.
આ વિદ્રોહમાં નૌશેઝાદ અને તેની બહેનને સફળતા ન મળતા તેઓ ભાગીને વલભીના શાસક ગૃહસેન પ્રથમ શરણે આવિયા.
આથી તેના પિતાએ તેના સૈન્યને તેની પાછળ મોકલ્યા અને આ સૈન્ય વલભીપુર આવ્યું અને નૌશેઝાદ અને તેની બહેનને સોંપી દેવા ગૃહસેનને સંદેશો મોકલાયો.
આથી ગૃહસેને ઇનકાર કરતા સૈન્ય અને ગૃહસેન વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને આ યુધ્ધમાં ગૃહસેન વીરગતિ પામ્યો.
ઈરાની સૈન્ય નૌશેઝાદને પકડીને સ્વદેશ પાછું ફર્યું પરંતુ આ પહેલા નૌશેઝાદની બહેન અને ગૃહસેનના લગ્ન થઈ ગયાં હતા.
હવે મૈત્રક વંશની ગાદી ગૃહસેન પ્રથમના પુત્ર ધરસેન બીજા પાસે આવે છે.
મહારાજા ધરસેન બીજો
• સમય – ઈ.સ. 570 થી 595
• પુત્ર – શિલાદિત્ય પ્રથમ, ખરગ્રહ પ્રથમ
ધરસેન એ ધનુરવિદ્યામાં ખૂબ જ પારંગત હતો અને તેના સમયમાં હર્ષવર્ધનના પિતા પ્રભાકરવર્ધને ગુર્જર દેશ, માળવા અને લાટ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતું પરંતુ સૌરાષ્ટ્રને તે જીતી શક્યો ન હતો.
દ્વારકા પાસે આવેલા ધ્રાસણવેલ ગામ ધરસેનના નામ પરથી બન્યું હતું અને ત્યાં ગામની બહાર તે સમયે એક મંદિર બનાવવામાં આવ્યું હતું.
દ્વારકા થી ગોપી તળાવ જતા રસ્તામાં લક્ષ્મીનારાયણનું એક મંદિર બનેલો જોવા મળે છે.
મૈત્રક વંશના મંદિરોને મગદહંસ કહેવામાં આવે છે.
શિલાદિત્ય પ્રથમ (ધર્માદિત્ય)
• સમય – ઈ.સ. 595 થી 612
• બીજું નામ – ધરમાદિત્ય, પરમાદિત્ય
• પુત્ર – દેરભટ્ટ
તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતો અને તે રાજા બન્યો તે પહેલા પોતાના પિતા ધરસેન રાજાના સમયમાં પ્રદેશનો સામંત રહ્યો હતો.
શૈવધર્મી હોવા છતાં તે વલભી ખાતે દર વર્ષે જૈન ધર્મની મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો તેમજ જૈન, બ્રાહ્મણો અને બૌધ એમ દરેકને ભૂમિદાન પણ આપતો હતો આથી જ તેને ધરમાદિત્ય કહેવાતો હતો.
તેણે શિવાલયની જેમ જ સૂર્યદેવ માટે આદિત્યલયો (સુયદેવ માટે બનાવેલા મંદિરો) બનાવ્યા આથી જ તે પરમાદિત્ય કહેવાયો.
શિલાદિત્ય પ્રથમ એ વલભી સવંત બંધ કરી (ચાલુ કરનાર ધરસેન પ્રથમ) અને વિક્રમ સવંત ફરીવાર ચાલુ કરાવી.
ચીની યાત્રાળુ હ્યું એન ત્સાંગે પોતાના પુસ્તક સી-યું-કી માં શીલાદિત્યના ખૂબ જ વખાણ કર્યા છે.
શિલાદિત્ય પ્રથમના સમય દરમિયાન સિંધના આરબ હાકેમ હિશામે ગાંધાર (ખંભાત) પર હુમલો કર્યો, ત્યાં એક મસ્જિદ બનાવી ડો. હરિપ્રસાદ શાસ્ત્રીના મત મુજબ ગુજરાતની આ પહેલી મસ્જિદ હતી.
ખરગ્રહ પ્રથમ
• સમય – ઈ.સ. 612 થી 620
• બીજું નામ – ચપલ
શિલાદિત્ય પ્રથમને દેરભટ્ટ નામનો મોટો પુત્ર હોવા છતાં ખરગ્રહ પ્રથમને ગાદી સોંપી હતી તે સાબિત કરે છે કે મૈત્રકોમાં રાજગાદી મોટા પુત્ર કરતા યોગ્ય વ્યક્તિને જતી હતી.
તેના સમયમાં થાણેશ્વર અને કનોજના સમ્રાટ હર્ષવર્ધને ઈ.સ. 618માં ચાલુક્ય નરેશ પુલકેશી બીજા ઉપર નર્મદાના યુદ્ધમાં આક્રમણ કર્યું ત્યારે ખરગ્રહ પ્રથમએ હર્ષવર્ધનનો સાથ ન આપતા પુલકેશીનો સાથ આપ્યો હતો આથી હર્ષવર્ધન મૈત્રકો સાથે વેર થયું.
ધરસેન ત્રીજો
સમય – ઈ.સ. 620 થી 625
ખરગ્રહ પ્રથમ પછી તેનો મોટો પુત્ર ધરસેન ત્રીજો ગાદીએ આવ્યો તે બૌદ્ધ ગ્રંથ આર્યમંજુશ્રીમૂલકલ્પ મુજબ તે 24 કલાક સ્ત્રીઓ સાથે રહેતો હતો.
તેના સૈનિકની એક રૂપવાન પત્ની ઉપર ધરસેન ત્રીજાએ દાનત બગાડતા સૈનિકે તેની હત્યા કરી નાખી.
તેણે માત્ર અડધું વર્ષ શાસન કરિયું હતું.
ધ્રુવસેન બીજો (બાલાદિત્ય)
• સમય – ઈ.સ. 621 થી 643
• બીજું નામ – બાલાદિત્ય
• પિતા – ખરગ્રહ પ્રથમ
• મોટો ભાઈ – ધરસેન ત્રીજો
તે ધરસેન ત્રીજાનો નાનો ભાઈ અને ખરગ્રહ પહેલાનો પુત્ર હતો.
તેના સમયમાં હર્ષવર્ધને ખરગ્રહ પ્રથમનો બદલો લેવા ગુજરાત પર આક્રમણ કર્યું હતું આ સમયે હર્ષવર્ધન સામે ધ્રુવસેન બીજાની હાર થાય છે.
ધ્રુવસેન અહીથી ભાગે છે અને દક્ષિણ ગુજરાતમાં આવેલા નંદીપુર રાજ્યના રાજા દ્દદના આશરે ગયા અને દ્દદે તેને રક્ષણ આપેલું તેવા એક ઉલ્લેખ દ્દદના દાન શાસન માંથી મળી છે.
હ્યું-એન-ત્સાંગના મત મુજબ હર્ષવર્ધને ધ્રુવસેન બીજાના પરાક્રમ અને વલભીની જહાજહોલીથી પ્રભાવિત થઈ ને હર્ષવર્ધને પોતાની દીકરીના લગ્ન ધુવસેન બીજા સાથે કર્યા હતા.
હ્યું-એન-ત્સાંગના મત મુજબ દર પાંચ વર્ષે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થાન એવા પ્રયાગરાજ ખાતે દાન ધર્મ મહોત્સવનું આયોજન કરતો હતો.
આ મહોત્સવમાં હર્ષ પોતાના જમાઈ ધ્રુવસેન બીજાને મુખ્ય મહેમાન તરીકે અલ્હાબાદ એટલે કે આજનું પ્રયાગરાજ ખાતે બોલાવતો હતો.
હ્યું-એન-ત્સાંગ અને હર્ષ વલભીની મુલાકાતે આવ્યા ત્યારે વલભીના રાજા ધ્રુવસેન બીજા હતા અને તેમના કવિ જયેશેનથી પ્રભાવિત થઈ હર્ષવર્ધન કવિને હંમેશા માટે તેમની સાથે લઈ ગયા અને જયસેનને કાલિદાસનો બીજો અવતાર કીધો.
હ્યું-એન-ત્સાંગનું પુસ્તક સિ-યુ-કી મુજબ હર્ષવર્ધનને શીલાદિત્ય તરીકે સંબોધીયો હતો.
ધ્રુવસેન ઈ.સ. 642માં વિશાળ સામ્રાજ્ય મુકી તેઓ ગુજરી ગયા અને આ સમયે વલભી સામ્રાજ્યનો વિસ્તાર સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, લાટ, માળવા, વિંધ્ય અને દક્ષિણ ભારત સુધી ફેલાયેલું હતું.
હર્ષવર્ધન :
પ્રાચીન ભારત અને પુષ્યભૂતિ વંશના છેલ્લા રાજા એવા હર્ષવર્ધનનું શાસન થાણેશ્વર માં હતું ત્યારબાદ તેમણે કનોજને પાટનગર બનાવ્યું.
હર્ષવર્ધન દર 5 વર્ષે પ્રયાગમાં મહામ મોક્ષ પરિષદનું આયોજન કરતા હતા તેમણે શીલાદિત્ય નામ ધારણ કર્યું હતું.
ઈ.સ. 640 માં ચીની યાત્રાળુ હ્યું-એન-ત્સાંગ હર્ષવર્ધનના સમયમાં ભારતમાં આવ્યા હતા.
હર્ષવર્ધનના સમયમાં અધિકારીઓને વેતનના બદલે જાગીર આપવામાં આવતી હતી તેમણે સામંતશાહી પ્રથા શરૂ કરાવી હતી.
સમ્રાટ હર્ષવર્ધને પાટલીપુત્રથી ભરૂચ સુધીના એક રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું.
નર્મદાના યુદ્ધમાં ચાલુક્ય વંશના શાસક પુલકેશી બીજાને હર્ષવર્ધને પરાજય આપ્યો હતો. કર્ણાટકના એહોલ અભિલેખમાં મૈત્રક વંશનો ઉલ્લેખ જોવા મળે છે.
ચીની યાત્રાળુ હ્યું-એન-ત્સાંગે પ્રયાગમાં સમ્રાટ હર્ષવર્ધનની મહામોક્ષ પરિષદમાં હાજરી આપી ત્યારે વલભીના શાસક ધ્રુવસેનની નોંધ પણ મળી છે.
હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના ખર્ચ માટે 100 ગામ અનુદાન કર્યા હતા.
ધરસેન ચોથો (ચક્રવતી)
• સમય – ઈ.સ. 643 થી 650
• પિતા – ધ્રુવસેન બીજો
• બીજા નામો – પરમભટાર્ક, પરમેશ્વર, મહારાજાધીરાજ, ચક્રવર્તી
મૈત્રક વંશનો સૌથી પ્રતાપી શાસક હતો. તેના પાંચ દાન શાસનનો પરથી તેનો સમય નક્કી થાય છે.
ધરસેન ચોથો એ ધ્રુવસેન બીજાનો પુત્ર અને હર્ષવર્ધનનો દોહીત્ર હતો.
હર્ષવર્ધન પુત્ર હોવાથી તેના મૃત્યુ બાદ તેનો દોહિત્ર ધરસેન ચોથો રાજગાદી એ આવતો પરંતુ તે કનોજની ગાદી પર બેસવામાં અસમર્થ રહ્યો.
કારણ કે હર્ષવર્ધનનો સેનાપતિ અને મંત્રી એવા અર્જુને હર્ષના મૃત્યુ બાદ કનોજની સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી.
હર્ષવર્ધનની જેમ ધરસેન ચોથો પણ અપુત્ર હતો પરંતુ તેને ભૂપા નામની એક દીકરી હતી જેણે ધરસેન ચોથાના મૃત્યુ બાદ થોડા સમય માટે વલભીની સત્તા સંભાળેલી.
આથી જ ભૂપાને ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકરતા ગણી શકાય પરંતુ ભૂપા સ્ત્રી હોય રાજ્ય સત્તા શીલાદિત્ય પ્રથમના પૌત્ર ધ્રુવસેન ત્રીજા એ સંભાળી લીધી.
ધરસેન ચોથામાં સમયમાં વલભી રાજ્ય આર્થિક સમૃદ્ધિની ટોચ પર પહોંચ્યું હતું. ‘ભટ્ટીકાવ્ય’ અથવા ‘રાવણવધ’ના રચયિતા કવિ ભઠ્ઠીને ધરસેન ચોથા દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો.
ધ્રુવસેન ત્રીજા
સમય – ઈ.સ. 650 થી 655
ધ્રુવસેન ત્રીજાના ત્રણ દાન શાસનમાં લગભગ પાંચ વર્ષ સુધી શાસન કર્યું હતું તેવી વિગતો મળી આવે છે. આ દાન શાસન દિવીરપતિ સ્કંદભટ્ટ બીજાના પુત્ર દિવિરપતિ અનહિલે લખેલા હતા.
જેમાં એક દાન ખેટક (ખેડા)ના બ્રાહ્મણ અને એક બીજું વલભીના બૌદ્ધ વિહારને આપેલું છે.
ખરગ્રહ બીજો (ધર્માદિત્ય)
• બીજું નામ – ધર્માદિત્ય
• પિતા – દેરભટ્ટ
• રાજા ધ્રુવસેન ત્રીજાના મૃત્યુ બાદ તેને ગાદી સંભાળી હતી.
• ખરગ્રહ બીજો ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતો અને શીલાદિત્ય પહેલાની જેમ તેણે ધર્માદિત્યનું બિરુદ ધારણ કર્યું હતું.
મહારાજાધિરાજ શિલાદિત્ય ત્રીજો
શિલાદિત્ય ત્રીજાના સમયમાં ઈ.સ. 677માં આરબ સરદાર ઈસમાઈલે ઘોઘા ઉપર હુમલો કર્યો હતો.
જૈન ગ્રંથો પ્રમાણે શીલાદિત્ય ત્રીજાએ પોતાના એક સેનાપતિ જયશિખરી ચાવડાને પંચાસરની સત્તા સોંપી હતી.
ચાવડા વંશ વિશે વાંચો : Read More
મહારાજાધિરાજ શિલાદિત્ય ચોથો
શિલાદિત્ય ચોથોના સમયમાં મૈત્રકો નબળા પડતા દખણના રાષ્ટ્રકૂટ વંશના સ્થાપક દંતીદુર્ગે ખેટક સુધીનો વિસ્તાર જીતી પોતાની સત્તા ગુજરાતમાં સ્થાપી હતી.
આમ ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની ખેટક (ખેડા) બની હતી.
મહારાજાધિરાજ શિલાદિત્ય પાંચમો
શિલાદિત્ય પાંચમાના સમયમાં ઈ.સ. 712થી ભારત ઉપર અરબ આક્રમણ શરૂ થઈ ગયા હતા અને મહંમદબિન કાસીમે સિંધ પ્રાંત જીતી લીધો હતો.
સિંધના સૂબા ઝુનેદ દખણ ઉપર આક્રમણ કર્યું પરંતુ ચાલુક્યોએ તેને હાર આપી પરત ફરતી વેળાએ શિલાદિત્ય પાંચમા એ પણ ઝુનેદને ભગાડ્યો હતો
મહારાજાધિરાજ શિલાદિત્ય છઠ્ઠો
શિલાદિત્ય છઠ્ઠોનું શાસન ઈ.સ. 735 થી 760 સુઘી જોવા મળે છે.
તેણે રાષ્ટ્રકૂટના જીતેલા પ્રદેશને પરત મેળવ્યા હતા જેમાં ખેટક (ખેડા), ગોદ્રહક (ગોધરા), બદરસિદ્ધિ (બોરસદ) વગેરે હતા.
શિલાદિત્ય છઠ્ઠાને પુરુષોત્તમ અને પાર્થિવના ‘અધીરાજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમના સમયમાં આરબના સુબા હાસમે દરિયાઈ માર્ગે વલભીપુર પર આક્રમણ કર્યું હતું.
આ યુદ્ધ ઈ.સ. 758માં થયું હતું પરંતુ સિંધના સૂબા હાસમે હુમલો કરવા માટે વલભીના કિનારે આવી પહોંચ્યા હતા પરંતુ આરબોની એમાં હાર થઈ હતી.
મહારાજાધિરાજશિલાદિત્ય સાતમો
બીજું નામ – ધ્રુવભટ્ટ
બાળપણનું નામ – હેરટદેવ
ઈ.સ. 760માં ગાદી પર આવતા જ તેને ફરી એકવાર ખેટક કબજે કર્યું અને એક દાન શાસન મુજબ તેણે આનંદપુર (વડનગર) અને ખેટક (ખેડા) બ્રાહ્મણોને દાનમાં આપ્યા.
એક પુસ્તક ઉદયસુંદરીકથા મુજબ બંગાળના પાલ શાસક ધર્મપાલને પણ તેણે હરાવ્યો હતો. આ જીતનો શ્રેય રાજાના ભાઈ કલાદિત્યને જાય છે.
મૈત્રક વંશનો અંત
શિલાદિત્ય vs કાકુ વાણિયો
જૈન અનુશ્રુતિક તૃતાંત અનુસાર વલભીના રાજા શીલાદિત્યની પુત્રી અને નગરના કાકુ વાણીયાની પુત્રી સાથે મિત્રતા હતી.
એક વખત કાકુ વાણિયો પોતાની દીકરી માટે આરબ દેશથી એક રત્ન જડિત સુવર્ણ કાંસકી લાવ્યા હતા.
જે રાજાની દિકરીને ખૂબ પસંદ આવી ગઈ આથી તેણે કાકુની દીકરી પાસે આ કાંસકી માંગી જે રાજકુમારીને ન આપી.
આથી રાજકુમારી એ રાજાને ફરિયાદ કરી અને રાજાએ પોતાના સૈનિકો મારફતે કાકુની દીકરી પાસેથી કાંસકી જૂઠવી અને ખરાબ કામ કર્યુ.
આ વાતનો બદલો લેવા કાકુ વાણિયો આરબ દેશ જઈને મ્લેચ્છપતિને મોં માંગ્યા રૂપિયા આપીને વલભી ઉપર હુમલો કરવિયો.
આ હુમલો પ્રથમ વાર સફળ ન થયો આથી કાકુ વાણિયાએ આરબમાંથી હાકીમ હિશામને વલભી પર હુમલો કરવા માટે આમંત્રણ આપિયું.
અને અંતે યુધ્ધ થયું અને શિલાદિત્ય સાતમાનું નિધન થયું પરંતુ શીલાદિત્ય સાતમાની એક ગર્ભવતી પત્ની ભાગી જાય છે અને વલભી લૂંટાઈ જાય છે.
મૈત્રક વંશના રજાઓ અને તેમના બીજા નામો
ક્રમ | રાજા | અન્ય નામ |
1 | શીલાદિત્ય પ્રથમ | ધરમાદિત્ય |
2 | ખરગ્રહ | ધરમાદિત્ય |
3 | શીલાદિત્ય બીજો | સેવાદિત્ય |
4 | શીલાદિત્ય ત્રીજો | હરદિત્ય |
5 | શીલાદિત્ય ચોથો | સુર્યાદિત્ય |
6 | શીલાદિત્ય પાંચમો | સોમાદિત્ય |
7 | શીલાદિત્ય છઠ્ઠો | રાજસિંહ |
8 | શિલાદિત્ય સાતમો | ધ્રુવભટ્ટ |